ગરબાડા તાલુકા કન્યા શાળા ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન આર.બી.બારડ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગરબાડાના સરપંચ અશોકભાઈ રાઠોડ, માજી સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, એસ.એમ.સી.ના સભ્યો તેમજ વાલીઓ શાળામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીનગરથી પધારેલા ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન આર.બી.બારડના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને આર.બી.બારડે બાલ વાટિકા તથા ધોરણ ૦૧ માં પ્રવેશ મેળવતા નાનાં નાનાં ભૂલકાંઓને દફતર તથા પુસ્તક આપી શાળામાં પ્રવેશ કરાવી બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. આર.બી. બારડ દ્વારા શાળાને પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. એ બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
એ ઉપરાંત રમતગમત ક્ષેત્રે, સહ શૈક્ષણિક પ્રવૃત્તિ ક્ષેત્રે, શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીનીઓ તથા વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીનીઓને આર.બી.બારડે પોતાના હસ્તે ઇનામ વિતરણ કરીને બાળકીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને શાળાની વિદ્યાર્થીનીઓ આવી જ રીતે ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતાં.
શાળાના પ્રાંગણમાં આર.બી. બારડના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ એસ.એમ.સી. મીટીંગમાં આર.બી. બારડે હાજરી આપી શાળાની ભૌતિક અને શૈક્ષણિક પ્રગતિ માટેના આગોતરા આયોજનો વિશે ચર્ચા-વિચારણા કરી હતી. શાળાની સિદ્ધિ દર્શાવતી પીપીટી સ્લાઇડ નિહાળી આર.બી. બારડે શાળાના આચાર્ય બહેન તથા શિક્ષિકા બહેનોની કામગીરીને બિરદાવી હતી.