આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ

0
650

દિપેશ દોશી – દાહોદ, તા.13/02/2023

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ – દારુ- ડીજે) ને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના માનનીય મંત્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીંડોરે સમાજના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચર્ચા વિચારણા બેઠકમાં હાજરી આપી હતી. બિરસા મુંડા ભવન દાહોદના મેનેજીંગ ટ્રસ્ટી ડો. કે.આર. ડામોરે તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય મંત્રીનુ નોટ બુકો તેમજ આદિવાસી ઝુલડી અને તીર કામઠું ભેટ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું. માનનીય મંત્રીએ સમાજની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૩ મુદ્દાના મુસદ્દારૂપ બંધારણ પર સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી હતી. કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને આ બંધારણને આવકાર્યું હતું.

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તથા ભીલ સમાજ પંચ દાહોદ તેમજ અન્ય સંગઠનો તથા આગેવાનો એ સાથે મળીને તૈયાર કરેલા ત્રણ જીલ્લા માટેના આ લગ્ન બંધારણનો અમલ કરવા – કરાવવામાં તેમના તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બંધારણનો અસરકારક અમલ કરવા માટે સમૂહ લગ્નોનું આયોજન કરવા માટે પણ તેમણે હાકલ કરી હતી. સમૂહ લગ્નોમાં સરકાર તરફથી ચાલતી યોજનાઓનો પણ લાભ મળી શકશે તેમ જણાવ્યું હતું. આ કામગીરી કરવા બદલ સમગ્ર ટીમ તથા બિરસા મુંડા ભવન ને સફળતા ની શુભકામનાઓ પાઠવી હતી.

માનનીય મંત્રીએ આદિજાતિ વિકાસ અને શિક્ષણના મુદ્દે પણ આદિવાસી સમાજને ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા અને આદિવાસી હસ્તકલાના માધ્યમથી સૌની સાથે હરિફાઈ કરવા માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ તથા આદિજાતિ વિકાસને લગતા સમાજને ફાયદાકારક લાગતા હોય તેવા કોઈપણ સૂચનો કે મંતવ્યો હોય તો તેઓના ધ્યાનમાં લાવવા માટે સૌ ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરી હતી. ખાસ કરીને આપણા વિસ્તારમાં શિક્ષણની જવાબદારી જ્યારે આપણા સમાજના જ મોટાભાગના શિક્ષક મિત્રો સંભાળી રહ્યા છે અને તેઓ સ્થાનિક કક્ષાએ નોકરી કરી રહ્યા છે ત્યારે સૌએ ખુબ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તે રીતે સમાજમાં શિક્ષણની ગુણવત્તા વધુ ઉંચે લઈ જવામાં કમર કસવી જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ ને લગતા કોઈપણ કામે ગમે ત્યારે તેઓ સમાજને ઉપલબ્ધ રહેશે તેની ખાતરી આપી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના કન્વિનર આર.એસ.પારગીએ માનનીય મંત્રીનો આભાર માન્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here