- પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો દાખલો બેસાડતી દાહોદ પોલીસ.
- દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન ત્રણ જુદા-જુદા બનાવોમાં પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી.
પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરતા એક નહીં પરંતુ ત્રણ જેટલા બનાવ દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા ગતરોજ યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની કામગીરીમાં રહેલી દાહોદ જિલ્લા પોલીસે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની જુદી જુદી રીતે મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.
દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકો પર 59 જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષામાં દાહોદ જિલ્લામાં 21,090 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષાની તૈયારીઓને લઈને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા બે દિવસથી પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તમાં હતી. તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે છેલ્લા બે દિવસથી રાત દિવસ પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી. ત્યારે ગતરોજ પરીક્ષા દરમિયાન ત્રણ જુદા જુદા બનાવોમાં પોલીસે પોતાની ફરજની સાથે સાથે માનવતાનો અભિગમ અપનાવી ઉમેદવારોને મદદ કરી એક તરફ માનવતાની મહેક પ્રસરાવી હતી. તો બીજી તરફ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે ઉક્તિ પણ સાર્થક કરી હતી.
દાહોદના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ હતી તે પરીક્ષામાં ગરબાડા તાલુકાના સરપંચ ફળિયામાં રહેતા દિનેશભાઈ મનાભાઈ ભુરીયા કે જેવો બંને પગે વિકલાંગ હોવાથી તેઓનો નંબર પરીક્ષા કેન્દ્ર નવજીવન સાયન્સ કોલેજમાં આવ્યો હતો. તેથી તેઓ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા હતા, જ્યાં કેન્દ્રમાં એન્ટ્રીનો સમય ખૂબજ નજીક હોવાથી તેઓ ધોમધખતા તાપમાં બંને હાથ વડે પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા. તે સમયે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરૂભાઈ સંગાડાની નજર આ દિવ્યાંગ વિદ્યાર્થી પર પડી હતી. જેથી તેઓએ એક પળનો પણ વિલંબ કર્યા વગર દિનેશભાઈ ભુરીયાની વહારે આવ્યા હતા અને તેઓને બંને હાથે ઉચકીને છેક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને આવ્યા હતા. એટલું જ નહીં પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ કોન્સ્ટેબલે પુનઃ આ દિવ્યાંગ વિદ્યાર્થીને ઊંચકીને પરીક્ષા કેન્દ્રથી ગેટની બહાર તેના વ્હીકલ સુધી મૂકી આવ્યા હતા. તે સમયે આ દ્રશ્ય નજરે જોનારા લોકોએ આ કોન્સ્ટેબલની કામગીરીને હર્ષભેર બિરદાવી લીધી હતી.