તારીખ.09/02/2023
દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા છે. જાગશે ગુજરાત ન્યૂઝના પત્રકાર અને દાહોદ SOG પોલીસની ખોટી ઓળખ આપી, રોફ જમાવી તોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડયા છે.
પાંચ ઈસમોએ પત્રકાર અને SOG પોલીસનો સ્વાંગ રચીને દશ દિવસ અગાઉ પીપલોદના ગુણા ગામના એક વ્યક્તિને તમે બે નંબરના ખોટા ધંધા કરો છો, તમારા ઉપર કેસ દાખલ થશે, અને પેપરમા ફોટા સાથે તમારા નામ આવશે તેવી ધમકી આપી ફોટા પાડી નકલી પત્રકાર અને પોલીસ બની રોફ જમાવી રૂ.105000/- પડાવી લીધા હતા. જે બાબતે પિપલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમા દાહોદ LCB એ મળેલ માહિતીના આધારે નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના 3 સભ્યો વાંકિયા ગામના બાબુભાઈ જીમાલભાઈ મોહનીયા, ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામના રમેશભાઈ મગનભાઈ દહમા, ચિલાકોટા ગામના નરેશભાઈ જુવાનસિંગ તડવીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 3 મોબાઇલ,1 બોલેરો ગાડી અને જાગશે ગુજરાત ન્યૂઝ નામના આઈકાર્ડ તેમજ રોકડા રૂપિયા કબ્જે કર્યા છે.