દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા વિભાગે ગરબાડા પોલીસને સાથે રાખી ગરબાડા તાલુકાના નવાગામ ખાતે ચાલી રહેલા બાળ લગ્ન અટકાવ્યા.

0
1840

ગરબાડા, તા.03/05/2023

ગરબાડા તાલુકાના ગરબાડાના નવાગામ ખાતે બાળ લગ્ન  થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને થઈ હતી જેથી તેઓએ સ્થાનિક પોલીસને સાથે રાખી નવાગામ ખાતે ચાલતા લગ્ન પ્રસંગમાં પહોંચી બાળ લગ્ન થતાં અટકાવ્યા હતા અને યુવતી અને યુવકના બંને પરિવારોને સમજાવી આખરે બંને પરિવારોની સંમતિથી આ બાળ લગ્ન થતાં અટકી ગયા હતા.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ ખાતે રાજેશભાઈ છત્રસિંહ રાઠોડની સગીર વયની પુત્રીના લગ્ન દાહોદના નગરાળા ખાતે નક્કી થયા હતા અને યુવતીના ગતરોજ તારીખ બીજી મે ના રોજ લગ્ન હોય, અને જાન નગરાળા ખાતેથી આવતી હોવાની જાણ બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગને થતા તેઓએ ગરબાડા પોલીસને સાથે રાખી લગ્ન સ્થળ પર જવા રવાના થયાં હતાં. ત્યારે લગ્ન પ્રસંગમાં જાન નગરાળાથી નીકળી નવાગામ ખાતે લગ્ન મંડપમાં આવી ગઈ હતી, અને લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તે સમયે લગ્ન મંડપમાં પહોંચેલા બાળ સુરક્ષા એકમના તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે આ બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. અને યુવક યુવતીના બંને પરિવારજનોને સમજાવી આ બાળ લગ્ન અટકવાતા લગ્ન કરવા આવેલી જાન લગ્ન કર્યા વિના પરત ફરી હતી, અને આ બાળ લગ્ન થતા અટકી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૧૮ વર્ષ થી ઓછી ઉંમરની યુવતી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન કરવા કે કરાવવા એ કાયદેસરનો ગુનો બને છે. એવા સગીર વયના બાળકોના લગ્ન ગરબાડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમા થવાના છે તેવી માહિતી મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન તેમજ ગરબાડા પીએસઆઇ જે.એલ. પટેલના સહયોગથી ટીમ બનાવી પોલીસ વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ લગ્ન અટકાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here