તારીખ.06/02/2023
દાહોદ LCB તથા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે.
દાહોદ LCB PI આર.સી.કાનમિયા તથા તેમના LCB સ્ટાફના માણસો તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના PSI એન.એન.પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની સંયુક્ત ટીમ રામપુરા ગામે હાઇવે રોડથી માતવા ગામ તરફ જતા રોડ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી GJ.06.KH.7246 નંબરની સિલ્વર કલરની ક્રુઝર ગાડીમા બેઠેલા ચાલક સહિત ત્રણ જણાની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસની ટીમે તે ગાડી રોકી ગાડીના કાગળિયા માંગતા તે ગાડીના ચાલકે ગાડીના કાગળિયા બાબતે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તે ક્રુઝર ગાડીનો રજીસ્ટર નંબર પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા તે ક્રુઝર ગાડી જેકોટ ગામના વ્યક્તિની માલિકીની હોવાનું જણાઈ આવેલ. જેથી પોલીસે ક્રુઝર ગાડીમા બેઠેલ ત્રણેયની પૂછપરછ કરતા ત્રણેય જણાએ અઠવાડિયા પહેલા આ ગાડી જેકોટ ગામેથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમા બીજી ચોરી કરેલ ફોરવીલ ગાડીઓ માતવા ગામના જંગલમા સંતાડી રાખેલ હોવાનું તેઓએ જણાવતા પોલીસ તેઓને માતવા ગામના જંગલમાં સાથે લઈ ગઈ હતી. જ્યાંથી પોલીસે અન્ય બે ક્રૂઝર ગાડીઓ ઝડપી પાડી તે ગાડીઓના રજીસ્ટર નંબર કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા GJ.31.A.3639 નંબરની ક્રુઝર ફોરવીલ ગાડી 11 મહિના પહેલા લીમડી નજીક આવેલ કારઠ ગામેથી ચોરી કરેલ તથા બીજી ફોરવીલ ક્રુઝર ગાડી નંબર GJ.16.BH.2149 જે ચાર મહિના પહેલા લીમખેડાના પીપળી ગામેથી એક ઘર આગળથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આમ વાહન ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુના ડિટેક્ટ થવા પામ્યા છે.
પોલીસે ગાડીમાથી પકડેલ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરચટ ગામના 28 વર્ષીય રાકેશભાઈ અમરીયાભાઈ બામણીયા, 25 વર્ષીય આલમસિંહ વેસ્તાભાઈ બામણીયા તથા 24 વર્ષીય મુકેશભાઈ વેસ્તાભાઈ બામણીયાની પૂછપરછ કરતા તેઓએ તેમના ગામના અન્ય ત્રણ સાગરીતોના નામ પણ પોલીસને આપ્યા હતા. આ કરચટ ગેંગમા છ સભ્યો હોઈ આ ગેંગના માણસો ઘર આગળ પાર્ક કરેલ ફોરવીલ ગાડીનુ લોક તોડી ગાડી ચોરી કરી લઈ જઈ તેના સ્પેરપાર્ટ બીજી ગાડીઓમા ફીટ કરી ગાડીનો નવો લુક આપી ખોટી નંબર પ્લેટ લગાડી ગાડીનું વેચાણ કરતા હોવાનુ પૂછપરછમા તેઓએ જણાવ્યુ હતુ.