દાહોદ તા.09/12/2024
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી દાહોદ LCB પોલીસે ભાગનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
દાહોદ જીલ્લો વિદેશી દારુની છુટછાટ ધરાવતા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો જીલ્લો હોવાથી દાહોદ જીલ્લાના બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપી અવનવા કિમીયાઓ અપનાવી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનો ઉપયોગ કરી મોટા પ્રમાણમા વિદેશી દારુ ઘુસાડતા હોય છે, ત્યારે આવા બુટલેગરો અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા તેમજ આવી પ્રવૃત્તિઓમા વારંવાર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાગારોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામા આવતી હોય છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ LCB પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ અને વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગર જશુ ઉર્ફે જશવંત ભીમજી ભરવાડ (રહે.પંચેલા, ભરવાડ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ની પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. ત્યારે આ આરોપીના દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા કાયદા હેઠળ વોરંટ ઈશ્યુ કરતાં જશુ ઉર્ફે જશવંત ભરવાડને દાહોદ LCB પોલીસે જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપ્યો છે.