પ્રિયાંક દરજી, તારીખ.16/01/2023
ગરબાડા ખાતે નર્મદા બેસિન આધારિત હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત, ગરબાડાના નગરજનોને પાણી પૂરું પાડવા માટે યોજનાની પાણીની લાઈનનું ગ્રામજનોની ઊપસ્થીતીમા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે હંગામી ધોરણે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
ગરબાડાના ગ્રામજનો વર્ષોથી પાણી માટે તકલીફ ભોગવી રહ્યા છે અને લોકોને નછુટકે વેચાતું પાણી લેવું પડી રહ્યું છે. અને લોકોને ઘરોમા રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરો નંખાવા પડે છે. જેને લઇને ગ્રામજનોએ થોડા દિવસ અગાઉ ગરબાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદન આપી રજૂઆત કરી હતી. જે બાબતને ધ્યાનમા રાખી ગરબાડાના નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે, તંત્ર દ્વારા ગરબાડા નગરમાં નવીન બનાવેલ નર્મદા બેસીન આધારિત હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાના સંપમાંથી તાત્કાલિક હંગામી ધોરણે જૂની લાઈનમા જોડાણ કરી નગરજનોને શુદ્ધ પીવાનુ પાણી આપવામા આવશે. આ નર્મદા હાફેશ્વર યોજના આધારિત પાણીની લાઈનનુ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોરના હસ્તે શ્રીફળ વધેરી પાણીની લાઈન ચાલુ કરવામા આવી હતી. આ વેળાએ ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, ગરબાડાના સરપંચ અશોકભાઇ રાઠોડ તેમજ ડેપ્યુટી સરપંચ મનુભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગરબાડા ખાતે નર્મદા બેસિન આધારિત હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાના સંપ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા નુકશાન પહોંચાડવામા આવે છે, જેને લઇને ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ ગ્રામજનોએ ગરબાડા પી એસ આઈ જે એલ પટેલને રજૂઆત કરી હતી.