traffic problems, dahod traffic, traffic rules, motor vehicle act

દાહોદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

નગરમાં ટ્રાફિક નિયમન માટે રૂટો સુનિશ્ચિત કરાયા

દાહોદઃ શનિવારઃ- દાહોદ શહેરમાં વેપાર ઉધોગ, શહેરીકરણ, વસતી ગીચતા તથા વાહનોની સંખ્યામાં થયેલ વધારાને કારણે શહેરના માર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. શહેરમાં વેપાર ઉધોગને કારણે ભારે વાહનોના પ્રવેશના કારણે પણ સાંકડા માર્ગો ઉપર ટ્રાફીકને લગતા પ્રશ્નો ઉદભવે છે. જેના કારણે જાહેર જનતાને અવર-જવરમાં અગવડ પડે છે. જેથી જાહેર હિતમાં શહેરના માર્ગોનો સુયોગ્ય ઉપયોગ અને ટ્રાફીકનું નિયમન કરવું આવશ્યક જણાય છે.

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.રંજીથકુમારે (IAS) ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ખ) હેઠળ દાહોદ નગર વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે આ મુજબની અમલવારી કરાવવા પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે. નગરમાં ટ્રાફિક નિયમન માટે રૂટો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

તદ્નુસાર મહાત્મા ગાંધી રોડ ઉપર ગાંધી ચોકથી જનતા ચોક તરફ જતા માર્ગ ઉપર માત્ર દ્રીચકી વાહનો જ પ્રવેશ કરી શકશે. ધોડા ગાડી, ત્રણ કે ચાર પૈડાવાળા વાહનો કે અન્ય ભારે વાહનો ગાંધી ચોકથી જનતા ચોક તરફ હંકારી શકાશે નહીં. પેસેન્જર રીક્ષાઓ સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૯:૦૦ કલાક સુધી આ માર્ગ ઉપર પ્રવેશ કરી શકશે. નહીં કે હંકારી શકાશે નહીં, સવારના ૦૯:૦૦કલાકથી સાંજના ૦૮:૦૦કલાક સુધી પડાવથી કથીરીયા બજાર, હનુમાન બજાર તથા ગાંધીચોક તરફ ભારે વાહોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ભારે વાહનો સિવાયના વાહનો પડાવ તરફથી હનુમાન બજાર, કથીરીયા બજાર તથા ગાંધી ચોક તરફ હંકારી શકાશે, હનુમાન બજારથી કથીરીયા બજાર, નીચવાસ બજાર તથા બહારપુરાથી પડાવવાળા માર્ગ ઉપર ભારે વાહનો માલ-સામાન ઉતારવા માટે ઉભા રહેવાના કારણે ટ્રાફીકમાં અડચણરૂપ થાય છે. જેથી સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૮:૦૦ કલાક સુધી ઉકત વિસ્તારમાં ભારે વાહનોની અવર જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, ભારે વાહનો સિવાયના વાહનો ગાંધીચોકથી દોલતગંજ બજાર, ગૌશાળા, સોનીવાડ થઇ માર્કેટ યાર્ડ તરફ જતા માર્ગ ઉપર માત્ર પ્રવેશ કરી હંકારી શકાશે. વિરૂદ્ર દિશામાં કોઇપણ વાહનો હંકારી લઇ જઇ શકાશે નહીં, માણેકચંદના કુવા (યાદગાર ચોક) થી નગરપાલિકા અને ગાંધીચોક તરફના માર્ગ ઉપર સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૯:૦૦ કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ હુકમ ઘી મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ ની કલમ ૧૧૨(૩) માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનોને લાગું પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

                                                 ૦૦૦૦૦૦૦૦૦૦

Leave a Reply