ગરબાડા, તા.૧૬/૦૧/૨૦૨૬
દાહોદ જિલ્લાના ગરબાડામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી આજથી કાર્યરત થઈ ગઈ છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે DySP કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગરબાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ.કે. સ્વામીનું પ્રથમ પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.
દાહોદ ડિવિઝનમાંથી ગરબાડા, જેસાવાડા અને ધાનપુર પોલીસ સ્ટેશનોને અલગ કરીને નવું ગરબાડા ડિવિઝન બનાવવામાં આવ્યું છે, જેમાં ગરબાડા, જેસાવાડા અને ધાનપુર એમ ત્રણ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે આજરોજ ગરબાડા ખાતે આ નવી DySP ઓફિસનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. અને જિલ્લા પોલીસ વડાએ નવી ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે, ગરબાડા ડીવીઝનના DySP એમ.કે.સ્વામી, ગરબાડા PI એસ.એમ.રાદડિયા, જેસાવાડા PI એન.એમ.રામી, ધાનપુરના ઇન્ચાર્જ PI જી.જે. ગામીત સહિત પોલીસ જવાનો તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જીલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરી તેમની રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે આશ્વાસન આપ્યું હતું.

આ નવા ડિવિઝન અને DySP ઓફિસની શરૂઆતથી ગરબાડા તેમજ ધાનપુર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ વહીવટ વધુ ઝડપી અને અસરકારક બનશે તેવી અપેક્ષા છે.

દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, લીમખેડા બાદ ગરબાડા ચોથું ડિવિઝન બનાવવામાં આવ્યું છે.
