ગરબાડા, તા.29/11/2026
એક તરફ સરકાર ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં માનવી સુધી તમામ યોજનાઓ પહોંચાડવાના દાવા કરી રહી છે. ત્યારે ગરબાડા તાલુકાના ગામની વાસ્તવિકતા આ દાવાઓથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે.
ગરબાડા તાલુકા મથકથી માત્ર દોઢ કિલોમીટર દૂર આવેલ સીમલીયાબુઝર્ગ ગામના માળ ફળિયાના લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સીમલીયા બુઝર્ગના માળ ફળિયાના લોકોને પીવાનું પાણી મેળવવા માટે તળાવના પાણીમાં થઈને પસાર થવું પડી રહ્યું છે.
હકીકત એ છે કે પીવાના પાણી માટેનો કૂવો તળાવની અંદર લગભગ 100 મીટર દૂર આવેલો છે. આ કૂવા સુધી પહોંચવા માટે ગામના લોકોને ઘૂંટણસમા પાણીમાં ઉતરીને જવું પડે છે. સરકાર દ્વારા ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટે લાખોના ખર્ચે ‘નલ સે જલ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પરંતુ ગરબાડા તાલુકાના અનેક ગામોમાં આ યોજના કાં તો સંપૂર્ણપણે ચાલુ થઈ નથી, અથવા માત્ર વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. આ કડવી વાસ્તવિકતા વચ્ચે માળ ફળિયાના લોકો તળાવના કૂવા પર પાણી ભરવા જવા માટે મજબૂર બન્યા છે.
ઘુંટણ સમા પાણીમાં ઉતરીને પીવાનું પાણી લાવવું પડે :
નાના છોકરા લઇને માથાં પર પાણીનું બેડું લઇ જતી મહિલાને પુછતાં જણાવ્યું કે પાણી તો કુવામાં બારેમાસ ફુલ છે. પરંતુ તળાવ ભરાતા કુવો પાણીની અંદર ગરકાવ થતાં અમારી ધુટણ સમા પાણીમાં ઉતરીને પીવાનું પાણી લાવવું પડે છે. > લાડૂડીબેન, સ્થાનિક
ગામ મોટું છે બીજા પણ 2 ફળિયામાં લાઈન નાખવાની બાકી :
આ ફળિયામાં હજી સુધી ‘નલ સે જલ’ યોજનાની કામગીરી કરવામાં આવી નથી. ગામ મોટું છે બીજા પણ બે ફળીયામાં લાઈન નાખવાનું બાકી છે તલાટી, સરપંચને ડિમાન્ડ કરવા જણાવેલ છે. જેથી કરી સરકારમાં રજુ કરી પાર્ટ 2 માં આ કામ હાથ પર લઈ શકાશે.> વિક્રાંત રાઠોડ, વાસ્મોના કર્મચારી.