ગરબાડા, તા.26/11/2025
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો રાજસ્થાન મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે, બે ફોર વ્હીલર ગાડીઓમાં મધ્યપ્રદેશથી લાવવામાં આવતી, વિદેશી દારૂની 1704 નંગ બોટલો સાથે દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ગરબાડા પોલીસે બે અલગ અલગ સ્થળેથી ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ.3.80 લાખના વિદેશી દારૂ સહિત કુલ ₹ 13.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાદડિયા તેમજ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઝડપભેર કાર્યવાહી કરી ગરબાડા અને નીમચ ગામ વિસ્તારમાંથી બે ફોરવ્હીલર ગાડીઓને અટકાવી હતી.
ફોર વ્હીલર ગાડીઓની તપાસ દરમિયાન એક વરના કાર તેમજ એક ઝાયલો કારમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બંને ગાડીઓમાંથી કુલ રૂ.૩,૮૦,૫૯૨ ની કિંમતનો વિદેશી દારૂ, બંને ફોર વ્હીલર ગાડીઓ, તેમજ ચાર મોબાઈલ સહિત કુલ રૂ. ૧૩,૯૪,૫૯૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ગેરકાયદે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ ઇસમોને પોલીસે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ, ગરબાડા પોલીસે કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
